આજે આપણે મોટાભાગે જોઈએ છીએ કે કોઈપણ સંબંધ વધુ લાંબો સમય સુધી નથી ટકતો, એ ભાઈ બહેનનો હોય, પતિ પત્નીનો હોય, પ્રેમી પ્રેમિકાનો હોય કે બે ભાઈઓ વચ્ચેનો જ કેમ ના હોય, આ સંબંધોમાં પણ થોડી ખટાશ હંમેશા આવતી હોય છે. મુખ્ય કારણ છે સંબંધોમાંથી વિશ્વાસનું ઉઠી જવું.
વિશ્વાસ આજના સમયનો સૌથી મોટો પ્રશ્ન છે. આ કળિયુગની અંદર આજે સગા ભાઈને પણ પોતાના ભાઈ ઉપર વિશ્વાસ નથી આવતો ત્યારે દરેક વ્યક્તિના મનમાં પ્રશ્ન થતો હોય છે કે કોનો વિશ્વાસ કરી શકાય?\
જન્મથી લઈને મૃત્યુ સુધી જીવનમાં ઘણા સંબંધો બંધાતા હોય છે અને ઘણા સંબંધો તૂટતાં પણ હોય છે, માણસ અનુભવથી ઘણું બધું શીખે છે. અને ઠોકરો વાગતા જાગે પણ છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક માણસ છેતરાય છે. આવું એક વ્યક્તિ સાથે નહિ પરંતુ ઘણા બધા લોકો સાથે બનતું હોય છે.
વિશ્વાસ એવા વ્યક્તિનો કરવો જે તમારી સાથે દરેક પરિસ્થિતિમાં ઉભા રહેવા માટે તૈયાર હોય. એ ભલે પછી તમારી પત્ની હોય, પ્રેમિકા હોય કે કોઈ મિત્ર. જે વ્યક્તિએ તમારો દરેક પરિસ્થિતમાં સાથ આપ્યો છે એવા વ્યક્તિને ક્યારેય ના છોડવા જોઈએ.
મોટાભાગે માણસો પોતાના ખરાબ સમયમાં સાથ આપનાર લોકોને પોતાના સારા સમયમાં ભૂલી જતા હોય છે, પરંતુ જીવનમાં એક સમય એવો આવે છે કે તે માણસને ખુબ જ પછ્તાવું પડે છે. અને એ સમયે ઘણું જ મોડું પણ થઇ ગયું હોય છે. માટે આવા સંબંધોને સાચવી રાખવામાં જ મઝા છે.
જીવનમાં ભૂલ દરેક વ્યક્તિથી થતી હોય છે, પરંતુ એ ભૂલ જો ભૂલવા જેવી હોય તો ભૂલી જ જવી જોઈએ, એક ભૂલના કારણે ક્યારેય સંબંધો ઉપર પૂર્ણવિરામ ના મુકવો જોઈએ. અને જે લોકો પૂર્ણ વિરામ મૂકીને આગળ વધી જાય છે તેમના જીવનમાં બીજા એવા લોકો પણ આવે છે જેમના કારણે તેમને વધુ દુઃખી થવું પડે છે. માટે જીવનમાં કપ પૂરતા સંબંધો રાખવા અને એવા સંબંધો રાખવા જેના ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકાય.
માત્ર સંબંધો મેળવવા જ જરૂરી નથી. સામે વિશ્વાસભેર સંબંધ નિભાવવો પણ જરૂરી છે. તમે જયારે સામેની વ્યક્તિને વિશ્વાસ આપશો તો એ વ્યક્તિ પણ તમારાથી બમણો વિશ્વાસ તમને પાછો આપશે.