Bollywood

કેમ રાજેશ ખન્નાએ પત્નીને સંપત્તિમાં ના આપ્યો ભાગ, અરબો સંપત્તિના માલિક હતા રાજેશ ખન્ના

અરબોની સંપત્તિના માલિક રાજેશ ખન્નાએ પોતાની જ પત્નીને કેમ દેખાડ્યો હતો ઠેંગો ?

રાજેશ ખન્નાએ વર્ષ 1969માં ફિલ્મ “આરાધના”ની સફળતાથી 1971 સુધી સતત 15 હિટ ફિલ્મોનો રેકોર્ડ બનાવ્યો હતો,જેને આજે પણ કોઇ તોડી શક્યુ નથી. ફિલ્મ “આખિરી ખત”થી બોલિવુડમાં કરિયરની શરૂઆત કરનાર સુપર સ્ટાર રાજેશ ખન્નાની લોકપ્રિયતા એટલી હતી કે, “ઉપર આકા અને નીચે કાકા” આ જ ચર્ચા બોલિવુડમાં થતી “કાકા” એ સમયમાં તેમની ફિલ્મોને કારણે અરબો સંપત્તિના માલિક બની ગયા હતા.

તમને જણાવી દઇએ કે, પોતાના જમાનામાં સુપરસ્ટાર રહી ચૂકેલા રાજેશ ખન્નાએ બોલિવુડ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત ફિલ્મ “બોબી”ના સેટ પર થઇ હતી. તે સમયે ડિંપલ 16 વર્ષના હતા અને રાજેશ ખન્ના 30 વર્ષના હતા. ડિંપલ કાપડિયા રાજેશ ખન્નાની મોટી ચાહક હતી. માત્ર ચાર દિવસની મુલાકાતમાં જ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો હતો.

ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કરવા રાજેશ ખન્નાએ એક શરત મૂકી હતી. તેમણે એ શરત મૂકી હતી કે, લગ્ન બાદ તેઓ ફિલ્મોથી દૂર થઇ જશે. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાના લગ્ન બાદ ડિંપલની પહેલી ફિલ્મ “બોબી” રીલિઝ થઇ. આ ફિલ્મ સુપર હિટ સાબિત થઇ હતી અને આ ફિલ્મ બાદ ડિમ્પલ રાતોરાત સ્ટાર બની ગયા હતા.

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બધા રેકોર્ડ તોડી દીધા હતા. રાતોરાત સ્ટાર બનેલી ડિમ્પલે આગળ કામ કરવાનું મન બનાવી લીધુ અને કદાચ આ જ કારણથી બંને પતિ પત્નીમાં થોડી અનબન શરૂ થઇ ગઇ.

રાજેશ ખન્ના તે સમયે તેમના કરિયરના ફ્લોપ સમયમાંથી પસાર થઇ રહ્યા હતા અને તેમણે ફિલ્મ “સોતન”થી કમબેક કર્યુ હતુ. આ ફિલ્મના શુટિંગ દરમિયાન રાજેશ ખન્ના અને ટીના મુનિમ ઘણા નજીક આવી ગયા હતા. બીજી તરફ ડિમ્પલે ફિલ્મો કરવાની ચાલુ રાખી હતી, જે કારણે રાજેશ ખન્નાનો ગુસ્સો વધતો જઇ રહ્યો હતો.

ફિલ્મના શુટિંગ દરમિયાન રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા મોરીશસ ગયા હતા, જયાં ડિમ્પલે તેમની આંખોથી રાજેશ ખન્ના અને ટીના મુનિમને નજીક આવતા જોયા અને બધી હદો પાર કરતા જોયા હતા. આ વાતથી ગુસ્સે થયેલ ડિમ્પલ કંઇ પણ કહ્યા વગર મુંબઇ પાછા આવી ગયા અને તે બાદ તેમણે કાચ પર આઇ લવ યુ, ગુડ બાય લખી રાજેશ ખન્નાનું ઘર છોડી દીધુ અને જતા રહ્યા.

રાજેશ ખન્નાએ આ વાતને બહુ મગજ પર ના લીધી પરંતુ તે બાદ ડિમ્પલ તેમના ઘર આશીર્વાદમાં પાછી ના આવી. અલગ થવા પર પણ તેઓએ છૂટાછેડા ના લીધા. રાજેશ ખન્નાએ તેમના અહમ સ્વભાવને કારણે ડિમ્પલ કાપડિયાને તેમની સંપત્તિમાંથી બહાર નીકાળી દીધા.

ટ્વિંકલ ખન્ના, અક્ષય કુમાર, ખાસ મિત્રો અને પરિવારના ડોકટરની હાજરીમાં રાજેશ ખન્નાની વસિયત વાંચવામાં આવી હતી, જેમાં લખવામાં આવ્યુ હતુ કે, ડિમ્પલને આ સંપત્તિમાંથી કોઇ હિસ્સો પ્રાપ્ત થશે નહિ. રાજેશ ખન્ના તેમની બધી પ્રોપર્ટી તેમની બંનેે દીકરીઓ ટ્વિંકલ ખન્ના અને ચિંકી ખન્નાના નામે કરીને ગયા હતા.